હુ પ્રથમ ગુજરાતી છું. અને ગુજરાતના ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના નાંદોલ ગામનો વતની છું.અને ગુજરાતી વિષયથી એમ.એ સુધીનો અભ્યાસ કરેલ છે. મારો પોતાનો જ નાના પાયાનો એગ્રીક્લચરનો વ્યવસાય કરી રહ્યો છું. હું પરણીત છું. એક સરસ મઝાની આઠ વર્ષની દિકરી પણ છે. અમે અમારી નાની દુનિયામાં ખુબ ખુશ છીએ. લી....આપનો અનજાન દોસ્ત રીન્કુ પંચાલ.

તું રંગવા આવે એમાં મને રસ નથી
તું રંગ બની જાય એમાં રસ છે

રંગવા આવે તો તારી હથેળી
પળ બે પળ માટે જ ગાલને અડે

પણ તું રંગ થઇ જાય
તો
ગાલે જ રહે

અને હું ચહેરો ધોઉં જ નહીં, સદીઓ સુધી…!!

-એષા દાદાવાળા

Read More

રંગપર્વની શુભ કામનાઓ...
******************************
હું તને ઓળખું કઈ રીતે?
દરવખત રૂપરંગ બદલે છે.
- અશોક ચાવડા 'બેદિલ' (પડખું ફર્યું તળાવ, પ્રકાશ્ય)
***
તું રંગહીન થઈ ગઈ વરસો વીતી ગયા,
મારી ઉપર હજીય છે તારો જ રંગ કેમ?
- અશોક ચાવડા 'બેદિલ' (પડખું ફર્યું તળાવ, પ્રકાશ્ય)
***
બધાય રંગ લઈને તું ક્યાંક ચાલી ગઈ,
કહે તું કેમ હવે હો ઉમંગ હોળીમાં.
- અશોક ચાવડા 'બેદિલ' (પગરવ તળાવમાં, 2012)
***
છૂટી ગયો છે જ્યારથી મેંદી ભરેલ હાથ,
રંગો નથી ભરી શક્યો હું કોઈ સાંજમાં.
- અશોક ચાવડા 'બેદિલ' (પગલાં તળાવમાં, 2003)

Read More

લઈ હાથમાં ગુલાલ તું તૈયાર છે હવે !
મારો હતો એ આપણો તહેવાર છે હવે

હોળીનું ફંડ લાવશે એના ઘરેથી કોણ?
આ વાત પર યુવાઓમાં તકરાર છે હવે.

બાકી હતો જે રંગ, ઉમેરી દીધો છે તેં
મરજી મુજબ પૂરો થયો શણગાર છે હવે

તારા બદનના સ્પર્શને પામી ગયા છે તો
મહેકી જવાને કેસુડાં હકદાર છે હવે

રંગો ચઢ્યા પછી અને પલળી ગયા પછી
સંયમમાં જાત રાખવી બેકાર છે હવે

કોને ખબર? છે રંગનો કે ભાંગનો નશો
એ પાર જે હતું બધું આ પાર છે હવે

રંગોને જોઈ આજ ફરી વહેમ તો થયો !
મારો સમય મને જ વફાદાર છે હવે

ભાવિન ગોપાણી.

Read More

મહિલા દિવસ..!!

હું સ્ત્રી છું…
તમે ચાહો તો મારા ગાલને તમારી હથેળીઓ વચ્ચે પકડી
થેંક યુ કહ્યાં વિના હળવેથી ચૂમી શકો છો
‘તું ખુશ છે?’ આવું પૂછી શકો છો
મારા સપનાંઓ પૂરા નહીં કરી આપો તો ચાલશે
હું એને પૂરા કરી લઇશ
પણ જે આંખોમાં એ સચવાયા છે
એની ભીનાશનું કારણ ન બનશો તમે…
ભીનાં થઇ ગયેલા સપનાંઓને સૂકવવા
હવાને બદલે શ્વાસની જરૂર પડતી હોય છે..!!
તમે ચાહો તો મને રોપી શકો છો
એક ખાલી કૂંડામાં…!!
કૂંડામાં ઝાડ નહીં છોડ જ ઉગી શકે…
એ માન્યતાને હું ખોટી પાડી શકીશ…!!
તમને જરૂર પડશે મારી
તમારા મન માટે, તમારા શરીર માટે
તમારા ઘર અને તમારા બાળકો માટે..!
હું તમારા ઘરનો સામાન નથી, કે તમે મને અભરાઇએ ચઢાવી દો
હું શ્વાસ છું, ઘરની હવામાં વર્તાયા કરું છું…!

સ્ત્રીપણાંનાં અભિમાનથી પીડાતી મને
મહિલા દિવસની શુભેચ્છા ન આપશો તો ચાલશે
કારણ કે,
જ્યારે-જ્યારે હું મારા પોતાના માટે જીવી લઉં છું
એ પ્રત્યેક દિવસને મહિલા દિવસ તરીકે ઉજવી જ લેતી હોઉં છું…!!
-એષા દાદાવાળા

Read More

પ્યાસ પરથી એય સીધા જામ પર આવી ગયાં
બે મુલાકાતો વધી તો નામ પર આવી ગયાં

એ.સીની સર્વિસ થાતી જોઈ પીળા પાન સૌ,
હક રજા પર ઉતરી ને આરામ પર આવી ગયાં.

હું ફકત ઠંડી હવા ખાવા ગયો તો ખેતરે,
લોક પૂછે શહેર છોડી ગામ પર આવી ગયાં?

વાત ખાલી બે દીવાલો તૂટવાની તો હતી,
આપણે અલ્લાહ પર ને રામ પર આવી ગયાં.

બંધ કે હડતાળ પણ લાંબો સમય ચાલી નહીં,
ભૂખના માર્યા મજૂરો કામ પર આવી ગયાં.

કાલ 'સાગર' પી જવાનો જેમનો દાવો હતો,
આજ એ મૃગજળ ભરેલા જામ પર આવી ગયાં.
રાકેશ સગર, સાગર ,વડોદરા

Read More

માર્ચ મહિનામાં મહિલા દિવસ અને મહિલા સપ્તાહની ઉજવણીમાં વ્યસ્ત થઈએ એ પહેલાં આ ગઝલ...

હરખથી ડાળ પર થઈ પારણું ઝૂલ્યો દુપટ્ટો
પરંતુ બાળ પોઢયા બાદ ના પોઢયો દુપટ્ટો

હતો જો મુક્ત તો પણ કેમ ના ઉડ્યો દુપટ્ટો ?
નવાઈ છે,તમે સાંકળ વગર બાંધ્યો દુપટ્ટો !

મસોતું થઈને પણ છૂટી નથી એ ટેવ જૂની
કિનારી આંખની લુછવા થયો તરસ્યો દુપટ્ટો

બદામી, કાળી, ભૂરી, કથ્થઈ કે આસમાની
કઈ છે આંખ કે જેણે નથી ભેદયો દુપટ્ટો ?

અરીસો કોઈ કારણથી બહુ ભેદી હસ્યો'તો
રમતમાં બાળકીએ બે ઘડી વીંટયો દુપટ્ટો

કરી બાધા કે નવસોને નવાણું ચીર ઉગે ત્યાં
પીડીતાએ લીરા ભેગા કરી વાવ્યો દુપટ્ટો

હવે તો પ્રાણ સાથે દેહથી છૂટે તો છૂટે
બળેલી છાતીને એ રીતથી વળગ્યો દુપટ્ટો

મલાજો રાખવા માટે વડીલોની નજરનો
વિચારી જો કદી, કે કેમ પહેરાવ્યો દુપટ્ટો ?

કોઈ આવીને ખોલી કાઢશે પંખાથી હમણાં
લદાયેલા વજનથી આમ તો છૂટ્યો દુપટ્ટો

લિપિ ઓઝા

Read More

એ ગામ ગમે છે , એ નામ ગમે છે.
લીમડી ચોકે ઉભું ,એ ઝાડ ગમે છે.

પેલી નાજુક ને નમણી, એ નાર ગમે છે,
એના ઘર પાછળની વાડ ગમે છે.

એ યાદ ભુલાવતી, શરાબની ધાર ગમે છે.
એ ગામમાં મારા નામની રાડ ગમે છે.

દર્દ અને દિલાસો સાથે, હદયને ભાર ગમે છે,
આજેપણ કરતી તોફાન ને, એ લાડ ગમે છે.

ભીડમાં પણ જોઈ લેતા એ નજરના વાર ગમે છે,
ઇર્ષાઋ લોકોને અમારી વચ્ચેની ફાડ ગમે છે.

મયંક પટેલ :- વદરાડ

Read More

હવે તને પ્રેમ કરી પરેશાન નહિ કરું
હવાની સાથે યાદો મોકલી હેરાન નહિ કરું

બાળી દસ્તાવેજ પ્રેમના, એની રાખ નહિ કરું,
જે થવું હોય તે થાય, તને છોડવાનું અહેશાન નહિ કરું.

છે, દસ્તાવેજ પ્રેમનો, એનું વેચાણ નહિ કરું,
આ મોંઘી મિલકતનું હવે, અભિમાન નહિ કરું.

ગઝલમાં મારી તારા નામનું, લખાણ નહિ કરું,
ભડકે બાળી તારા ઘરને, સ્મશાન નહિ કરું.

જ્યાં મળ્યા હતા આપણે, તે રસ્તે ચાલવાનું જોર નહિ કરું,
ફરી તારા જીવનમાં આવવાનું તોફાન નહિ કરું.

.....મયંક પટેલ :- વદરાડ .......

Read More

મને તારી જેમ આમ લુચ્ચું બોલતા નહિ ફાવે,
તું મારી જ છે તો હવે , બીજાની કહેવુ મને નહિ ફાવે.

ભલે સળગતું હવે આ શહેર, તારા નામનું.
આમ રોજરોજ તાપણું કરવુ મને નહિ ફાવે.

આમ રોજની મુલાકાતોથી, કંટાળી ગયો છું હું !,
લે આવી ગયો તારા ઘેર, આમ દૂર રહેવું મને નહિ ફાવે.

ખુલેઆમ જંગ છેડી છે મેં , કલમથી કાળગ ઉપર,
એક તાર નામ વગર, બીજાનું નામ લખવું મને નહિ ફાવે.

મોતની ચાદર ઓઢીને ઉભો છું હું ,ભરબજારે
'મયંક ' આ હદય વેચીને જીવવું મને નહિ ફાવે.

મયંક પટેલ

Read More

ચર્ચામાં શાને આવ્યો છે મુદ્દો તપાસનો;
ઈતિહાસ બહુજ જૂનો છે અંતરની ફાંસનો.

દુનિયામાં મારું સ્થાન હવે ક્યાંય પણ નથી;
મોહતાજ થઈ ગયો છું હું મારા નિવાસનો.

જોઉં છું આયનો તો મને એમ લાગે છે;
ચહેરો હસી રહ્યો છે કોઈ દેવદાસનો.

લઈને ઉછીનું તેજ શરદ આપે ચાંદની;
મેં સાંભળી લીધો છે ખુલાસો અમાસનો.

ચહેરાની એ ચમક તો મેં ખોઈ છે ક્યારની;
ઝાંખો થયો છે રંગ હવે તો લિબાસનો.

ન્હોતો વિકલ્પ એટલે માંગી છે મેં દુઆ;
અંજામ શું હશે મારા અંતિમ પ્રયાસનો.

"નાશાદ" આપોઆપ ઢળી ગઈ છે પાંપણો;
હકદાર જાણે હું નથી કોઇ ઉજાસનો.

ગુલામ અબ્બાસ નાશાદ

Read More